ભારત દેશનું એવું ઘર જેનો સંપુર્ણ લોડ સોલાર એનર્જી પર ચાલે છે. ખનક સોલાર સિસ્ટમ દ્વારા ઇન્સ્ટોલ કરવામા આવેલ સોલાર પ્લાન્ટ થી પીપલોદ, સુરત ના એક ઘરમાં તમામ એપ્લાયન્સિસ સોલાર પાવરથી ચાલે છે.
આ સોલાર પ્લાન્ટથી ૧૨ કેવીએ પાવર જનરેટ થાય છે. ઈલેક્ટ્રિસિટી સતત મોંઘી થતી જાય છે, આ વાતને ધ્યાનમાં રાખી સુરત શહેરના જાણીતા વેપારીએ વર્ષ ૨૦૧૧માં પીપલોદ, સુરત ખાતે સોલાર હાઉસ બનાવ્યું છે. આ સોલાર હાઉસમાં ૪૮ સોલાર પેનલ છે, આ પેનલ આખા ઘરને ઈલેક્ટ્રિસિટી પૂરી પાડે છે. એકવાર આ સોલાર પેનલ ઘરમાં લગાવી દો એ પછી નેવું ટકા જેટલી ઈલેક્ટ્રિસિટીની બચત થાય છે. આપણા ભારત દેશનું આ બીજું સોલાર હાઉસ છે, પહેલું સોલાર હાઉસ દિલ્હીમાં છે.
કેવી રીતે કામ કરે છે આ સોલાર પેનલ? : ૪૮ સોલાર પેનલ સાથે ૪૮ ઇન્વર્ટર્સ હોય છે. આ ૪૮ સોલાર પેનલથી ૧૨ કેવીએ (૧ કેવીએ = ૧૦૦૦ વોટસ) જેટલો પાવર જનરેટ થાય છે. સૂરજ ઉગે ત્યારે સોલાર પેનલથી બેટરી ચાર્જ થાય છે અને એસી-ફ્રજિથી માંડીને ઘરના તમામ એપ્લાયન્સ સોલાર પાવરથી જ ચાલે છે. સૂરજ આથમે ત્યાં સુધી સોલાર પેનલ ચાર્જ થઈ જાય છે અને પછી એ બેટરી પર શિફ્ટ થઈ જાય છે. ઇન્વર્ટરમાં પાવર ખલાસ થઈ જાય ત્યારે એ જીઇબી પાવર સાથે કનેકટ થઈ જાય છે. પાવર સ્વીચઓવર થાય ત્યારે કોઇ જાત નો ખલેલ થતો નથી.
આ સોલાર પેનલનું ખાસ મેઇન્ટેનન્સ પણ હોતું નથી. જેમાં ફકત પેનલની સફાઈ જ જરૂરી હોય છે. મુખ્ય વાત જગ્યાની છે. ચારેબાજુથી પેનલ પર લાઇટ આવે એવી ખુલ્લી જગ્યાની જરૂરિયાત હોય છે.
આ ઘરના ઓનર જયેશભાઈ છતીયાવાલા કહે છે કે ‘યુ.એસથી આવેલા મારા કઝીને સોલાર લાઇટ વિશે પૂછ્યું ત્યારે મને ઇકોફ્રેન્ડલી ઘર તૈયાર કરવાનો વિચાર આવ્યો. ૪૮ સોલાર પેનલથી ઘરના બધા જ ઈન્કિવપમેન્ટ્સ ચાલે એ માટે ફોરેનથી પાવર સેવિંગ એપ્લાયન્સિસ લઈ આવ્યો. હવે મારા ઘરના ચાર રૂમના લાઇટ, પંખા, એસી, ફ્રજિ બધાં જ એપ્લાયિન્સસ આ જ પેનલ પર ચાલે છે. હવે મારું ઇલેક્ટ્રીસિટીનું બિલ નહિવત થઈ ગયું છે. આખી સોસાયટીમાં પાવર ન હોય તો પણ મારા ઘરે લાઇટ હોય છે.’
ખનક સોલાર સિસ્ટમના સીઇઓ રાજનભાઈ કહે છે કે, ‘જયેશભાઈનું ઘર ઇન્ડિયાનું બીજુ એવું ઘર છે જે સોલાર પેનલ પર ચાલે છે. દિલ્હીના રહીજા બ્રધર્સના એક ઘરમાં ૩ કેવીએની પેનલ છે. આ ડેટા અમને એમએનઆરઈ (મિનસ્ટિ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી) અને જીઇઆરસી (ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યૂલેટરી કમિશન) પાસેથી મળ્યા છે. વળી, સોલાર પેનલ માટે સરકાર પણ ૩૦ ટકા સબસિડી આપે છે. જયેશભાઈએ તેમની ફેકટરીમાં પણ ૮૦ કેવીએની સોલાર પેનલ ફિટ કરી છે. જે કોઈ પણ વ્યક્તિ સોલાર એનર્જીનો યૂઝ કરવા આતુર છે તેમને જયેશભાઈ ગાઇડન્સ પણ આપે છે. લાંબાગાળે સોલારપાવરનો યૂઝ કરવાથી યુઝરને બેનિફિટ જ મળે છે.’